Wednesday, 18 March 2020

દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ…

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ…

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ…

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ…

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ…

 – રમેશ પારેખ

No comments:

Post a Comment