Friday, 20 March 2020

અમૃત ‘ઘાયલ’

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

- અમૃત ‘ઘાયલ’

Thursday, 19 March 2020

ઇમારત – ચિનુ મોદી

એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી
એની નથી જ જડતી કૂંચી

કઈ સદીઓથી હવા બંધ છે
દીવાલ વચ્ચે કેદ;
અંધારાએ સંતાડ્યા છે
કૈંક જનમના ભેદ –
પડછાયામાં હોડી ડૂબી
વાત મને એ ખૂંચી
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…

બંને પાંખો વીંઝી પંખી
નભ લગ પહોંચે રોજ
મેં કૂંચીનું પૂછ્યું તો કહે
એ જ ચાલતી ખોજ
હાથવગી કૂંચી બનતી તો
વધે ઇમારત ઊંચી
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…

 –ચિનુ મોદી

સમજી જા – ચિનુ મોદી

ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.

નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા
દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.

પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.

બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા
 – ચિનુ મોદી

Wednesday, 18 March 2020

દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ…

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ…

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ…

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ…

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ…

 – રમેશ પારેખ

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

ક્યારે આવશો – શુન્ય પાલનપુરી

તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો?
મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો?

એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે,
એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો?

જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત્જાણે,
નથી જીવનમહીં કસ, ક્યારે આવશો?

ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ,
ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો?

બંડખોર થઈ ગયો છે સમય, આપના વિના,
પ્રત્યેક પળ બની છે વરસ, ક્યારે આવશો?

એકલતા શૂન્યને ખૂબ સાલે છે આપ વિણ,
કાપે છે રોઈ રોઈ દિવસ, ક્યારે આવશો?

– શુન્ય પાલનપુરી

Monday, 16 March 2020

કોક દિન ઇદ અને કોક દિન રોજા

! લા-પરવા - મકરંદ દવે


કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર,
કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં
આવો તમો ઈદ અને આવો તમે રોજા.

Monday, 9 March 2020

યાદ

તમારી યાદોને કહી દો કે
હમણાં આવવાનું ટાળે....

કે ચણતર હજીયે તાજુ છે,
તૂટેલા દિલની આ દિવાલે....

~બેફામ ગુજરાતી